સામ પિત્રોડાના નિવેદન બદલ રાહુલ ગાંધી જનતા અને જવાનો પાસે માફી માંગે: અમિત શાહ

ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. ભાજપે આજે ફરીથી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન બદલ દેશની જનતા, શહીદોના પરિવારો અને જવાનોની માફી માંગવી જોઈએ. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ તૃષ્ટિકરણનું રાજકારણ શરૂ કરી દે છે. 
સામ પિત્રોડાના નિવેદન બદલ રાહુલ ગાંધી જનતા અને જવાનો પાસે માફી માંગે: અમિત શાહ

નવી દિલ્હી: ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. ભાજપે આજે ફરીથી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન બદલ દેશની જનતા, શહીદોના પરિવારો અને જવાનોની માફી માંગવી જોઈએ. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ તૃષ્ટિકરણનું રાજકારણ શરૂ કરી દે છે. 

અમિત શાહે કહ્યું કે દેશ જ્યારે સામાન્ય ચૂંટણી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે અને દેશના મતદારોમાં રાષ્ટ્રીય સુરક્ષા મહત્વનો મુદ્દો બની ગયો છે ત્યારે આવા સમયમાં કાલે કોંગ્રેસના વિદેશી મામલાઓના પ્રભારી સામ પિત્રોડાનું જે નિવેદન આવ્યું તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસ પાર્ટી પુલવામા જેવા જઘન્ય હુમલાને કે જે દેશની જનતાને હચમચાવી નાખે છે, તેને તમે સામાન્ય ઘટના માનો છો?

તેમણે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે તેમનું કહેવું છે કે કેટલાક લોકોની હરકતોથી દેશને દોષિત ન ગણવો જોઈએ...શું કોંગ્રેસ પાર્ટી માને છે કે જે આતંકવાદી ઘટનાઓ થાય છે તેનો પાકિસ્તાન સાથે સંબંધ છે કે નહીં, પહેલા તો એ સ્પષ્ટ કરો. જો સંબંધ છે તો દોષિત કોણ? આતંકવાદી હુમલાનો જવાબ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી નહીં વાતચીતથી આપવો જોઈએ... શું કોંગ્રેસ પાર્ટીની આતંકવાદ સાથે ડીલ કરવાની આ નીતિ અધિકૃત છે?

શાહે કહ્યું કે જ્યારે દેશમાં આ પ્રકારના આતંકી હુમલા થાય છે, દેશના નાગરિકો પીડાય છે, દેશના જવાનો શહીદ થાય છે અને કોંગ્રેસ પાર્ટી અને તેમના પદાધિકારી વાતચીતનો રસ્તો સૂચવે છે, તેનાથી કોંગ્રેસ પાર્ટી સહમત છે કે શું? તેમણે કહ્યું કે 7 માર્ચના રોજ કોંગ્રેસ અધ્યક્ષે પોતે કહ્યું કે એર સ્ટ્રાઈક પર જે સવાલ ઉઠે છે તેના જવાબ મળવા જોઈએ. રાહુલ ગાંધી કયા સવાલોના જવાબ ઈચ્છે છે? ભારતીય એરફોર્સ પર શંકા કરવી એ કોઈ પણ પાર્ટીના અધ્યક્ષ માટે યોગ્ય નથી. 

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નીકટના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેમણે (ભારતીય વાયુસેના) 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે તમે મને તેના વધુ તથ્યો ઉપલબ્ધ કરાવી શકો છો અને તેને સ્પષ્ટ કરી શકો છો. તેમણે પાકિસ્તાન સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે. 

સમાચાર એજન્સી એએનઆઈમાં પ્રકાશિત સમાચાર મુજબ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાની પણ એર સ્ટ્રાઈકને લઈને બીજી જ રજૂઆત છે. ભારતના લોકોને ભારતીય વાયુસેના તરફથી કરાયેલી આ કાર્યવાહીના તથ્ય જાણવાનો અધિકાર છે. 

સામ પિત્રોડાએ કહ્યું કે હું આ અંગે હજુ વધુ જાણવા માંગુ છું. કારણ કે મેં ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અન્ય અખબારોમાં કેટલાક રિપોર્ટ્સ વાંચ્યા છે. શું આપણે સાચે જ હુમલો કર્યો? શું આપણે સાચે જ 300 આતંકીઓને માર્યા? એ હું જાણતો નથી. કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે એક નાગરિક હોવાના નાતે મને એ જાણવાનો હક છે અને જો હું તેના અંગે પૂછી રહ્યો છું તો તેનો અર્થ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી. તેનો અર્થ એ નથી  કે હું આ તરફ છું કે પેલી તરફ.

સામ પિત્રોડા લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીમાં પણ સામેલ છે. તેમણે પાકિસ્તાન સાથે સંવાદની માગણી કરી છે. તેમનું કહેવું છે કે હું ગાંધીવાદી છું. હું અધિક ક્ષમા આપવામાં અને સન્માનમાં વિશ્વાસ ધરાવું છું. હું અંગત રીતે વધુ સંવાદમાં વિશ્વાસ રાખું છું. મારું માનવું છે કે આપણે બધાની સાથે સંવાદ કરવો જોઈએ. ફક્ત પાકિસ્તાન જ કેમ? આપણે સમગ્ર દુનિયા સાથે સંવાદ કરી રહ્યાં છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news